માતાજીનો ચમત્કાર, આજે પણ ભરશિયાળે ભક્તો માણે છે રસ-રોટલીનો આનંદ, લોકોની જોડાયેલી છે અતૂટ શ્રદ્ધા
જગતજનની માતા બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા 338 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગસર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ-રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં મા બહુચરની આરતી બાદ રસ-રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો.
338 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ.
માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. આ સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. તે દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી.
માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે. અને આજે પણ અહીં માગશર સુદ બીજની દિવસ દરમિયાન અને રાત્રે સંધ્યા આરતી બાદ માતાજી ને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનું જમણવાર આપવામાં આવે છે.માતાજીના ગર્ભ ગૃહમાં પણ વિષેશ શણગારમાં આંબાવાડીનો ઓપ આપી કેરીના ઝાડની ડાળીઓ અને કેરીઓ લટકાવી ડેકોરેશન કરવામાં આવ્યો. રસ રોટલીમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.
આમ, માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના આ ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે. માતાજીનો આશિર્વાદ અને ભર શિયાળે રસ-રોટલીનો પ્રસાદ લેવા અહીં દૂર-દૂરથી ભક્તો આવે છે.